Gujarat

સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે ૨૬ પીડિતોએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

નાસીરનગર ડિમોલિશન કેસ: ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું; ‘કોર્ટની આંખમાં ધૂળ ન નાખો, ૧૫૦ પરિવારોને રસ્તા પર કેમ આવ્યા?‘

સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં ૨૬ પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા સામે કડક વલણ દાખવ્યું છે.

આ મામલે ૨૬ અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશ્નર, વિશેષ કામગીરી જૂથના પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમ, ખાનગી બિલ્ડર, મહાનગરપાલિકા અને પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે નાસીરનગરના લાયકાત ધરાવતા અસરગ્રસ્ત પરિવારોના પુન:વસન માટે ૧૨૦ ફ્લેટ ઉપલબ્ધ છે. સાથે જ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો ર્નિણય કર્યો છે. આ સમિતિમાં શહેરી આવાસ અને શહેરી વિકાસ વિભાગના બે વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

જાેકે, હાઇકોર્ટે આ રજૂઆતથી અસંતોષ વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે સમિતિ કયા મુદ્દાની તપાસ કરશે તે જ સ્પષ્ટ નથી. કોર્ટે કહ્યું કે માત્ર “તલસ્પર્શી અભ્યાસ” શબ્દો લખવાથી ચાલશે નહીં, પરંતુ તપાસનો ચોક્કસ વિષય પણ જણાવવો પડશે.

એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું કે સમગ્ર ઘટનામાં સામેલ દરેક અધિકારી અને કર્મચારીની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. જાેકે કોર્ટે નોંધ્યું કે સુરત મહાનગરપાલિકા કમિશ્નરના મોબાઇલ નંબર સાથે જાેડાયેલા સંદેશાનો રેકોર્ડ સામે આવ્યો છે. ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા મહાનગરપાલિકાના કર્મચારીએ સોગંદનામામાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કમિશ્નરના કહેવાથી જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

કોર્ટે સવાલ ઉઠાવ્યો કે જાે આટલા ગંભીર આક્ષેપો છે તો મહાનગરપાલિકા કમિશ્નરનો ખુલાસો કેમ લેવામાં આવ્યો નથી? નાના કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ મુખ્ય અધિકારી સામેના આક્ષેપો છતાં તેઓ હજુ હોદ્દા પર કેમ છે? આક્ષેપિત અધિકારી હોદ્દા પર રહેશે તો નિષ્પક્ષ તપાસ કેવી રીતે શક્ય બનશે?

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે મહાનગરપાલિકા કમિશ્નરે કોઈ કર્મચારીને નોટિસ વિના ડિમોલિશન કરવાનો આદેશ આપ્યો નહોતો. જાેકે કોર્ટે સવાલ કર્યો કે જાે એવું હોય તો ખાનગી મિલકતના મામલામાં મહાનગરપાલિકાને રસ કેમ પડ્યો?

રાજ્ય સરકારે દલીલ કરી કે ખાનગી જમીનના માલિકે રસ્તા માટે જમીન આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને જમીનની સીમા નક્કી કરવાની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અરજદારો તરફથી રજૂ કરાયેલા દસ્તાવેજાેના આધારે કોર્ટે નોંધ્યું કે જે જમીન પર ડિમોલિશન કરવામાં આવ્યું તે ખાનગી માલિકીની હોવાના પુરાવા રજૂ થયા છે.

કોર્ટે વધુમાં કડક ટિપ્પણી કરતાં કહ્યું કે વર્ષો સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં અને અચાનક ૧૫૦ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા. જાે ખાનગી વ્યક્તિના હિત માટે મહાનગરપાલિકાનો ઉપયોગ થયો હોય તો તે અત્યંત ગંભીર બાબત છે. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે આખરે સરકાર કોને બચાવવા માંગે છે?

પુન:વસન મુદ્દે પણ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે અસરગ્રસ્ત લોકોનું પુન:વસન રાજ્યના ખર્ચે કેમ કરવામાં આવે? જાે અધિકારીઓ દોષિત હોય તો પુન:વસનનો ખર્ચ તેમની જવાબદારી પર કેમ ન મૂકવો જાેઈએ? અરજદારોની મુખ્ય બે માંગ છે. અસરગ્રસ્તોનું યોગ્ય પુન:વસન અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી.

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકારનું પ્રથમ પ્રાધાન્ય અસરગ્રસ્ત પરિવારોના પુન:વસનનું છે. સાથે જ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ રચવાનો ર્નિણય લેવામાં આવ્યો છે અને સમિતિ સમગ્ર ઘટનામાં સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરશે. સરકાર કોર્ટ સમક્ષ જરૂરી તમામ વિગતો રજૂ કરશે અને કોર્ટ જે પણ માર્ગદર્શન આપશે તેનું પાલન કરવામાં આવશે.