Gujarat

જામનગર GIDCમાં બ્રાસ ભઠ્ઠીમાં બ્લાસ્ટથી બે દાઝ્યા

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં આવેલા વિઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્કના શેડ નંબર 333માં આવેલી એલાઈડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં બપોરે આશરે 2 વાગ્યે બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં બે શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે. આ અકસ્માતને પગલે ફેક્ટરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, ભઠ્ઠીમાં બ્રાસ ઓગાળવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક જોરદાર ધડાકા સાથે પીગળેલી ધાતુનો ફુવારો ઉડ્યો હતો. જેથી નજીક કામ કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની હરિઓમ રાજપુત (ઉંમર 23 વર્ષ) અને મૂળ નેપાળના વતની પ્રેમ સોનારા (ઉંમર 40 વર્ષ) તેની ઝપેટમાં આવી ગયા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી GG હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને શ્રમિકો હાલ દરેડ વિસ્તારમાં જ રહે છે.

GG હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, દાઝી ગયેલા બંને શ્રમિકોની સારવાર ચાલી રહી છે, જેમાં નેપાળી શ્રમિક પ્રેમ સોનારાની હાલત અત્યંત ગંભીર છે. જ્યારે અન્ય શ્રમિક હરિઓમ પણ તબીબોની સઘન દેખરેખ હેઠળ છે.

ઘટનાની જાણ થતાં પંચકોશી B ડિવિઝનના PI વીરેન રાઠોડ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે નોંધ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.