Gujarat

સુરતમાં વધુ એક પાટીદાર યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર

સુરત શહેરના કઠોદરા વિસ્તારમાં લગ્નના નામે મોટી છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 40 વર્ષીય અપરિણિત પાટીદાર વેપારીને લગ્નની લાલચ આપી વચેટીયા અને મહારાષ્ટ્રની યુવતીએ મળીને કુલ ₹2.99 લાખની મતા પડાવી લીધી અને લગ્નના ગણતરીના દિવસોમાં જ દુલ્હન ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ લસકાણા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી પુત્ર માટે કન્યાની શોધમાં દલાલનો સંપર્ક કર્યો ફરિયાદની વિગતો મુજબ, કઠોદરા વિસ્તારના ટ્વીન ટાવરમાં રહેતા અને કડોદરા ખાતે એમ્બ્રોડરી મશીનનો વેપાર કરતા 40 વર્ષીય વેપારી મૂળ ભાવનગરના ગારીયાધારના વતની છે. મોટી ઉંમર થવા છતાં લગ્ન ન થતા હોવાથી પરિવાર તેમના માટે કન્યા શોધતો હતો. આ દરમિયાન નવેમ્બર 2025માં વેપારીના પિતાજીની મુલાકાત વેલંજા ખાતે રહેતા અને લગ્ન કરાવવાનું કામ કરતા કેશુભાઈ બેચરભાઈ મિયાણી (ઉ.વ. 55) સાથે થઈ હતી. કેશુભાઈએ મહારાષ્ટ્રની ભાગ્યશ્રી અશોકભાઈ પવાર નામની યુવતીનો ફોટો બતાવ્યો હતો, જે પરિવારને પસંદ આવ્યો હતો.

ફોટો પસંદ આવ્યા બાદ ભાગ્યશ્રી અને કેશુભાઈ વેપારીના ઘરે આવ્યા હતા અને બંને પક્ષે લગ્ન નક્કી કર્યા હતા. લગ્ન કરાવવાના બદલામાં વચેટીયા કેશુભાઈએ ₹2,80,000ની માંગણી કરી હતી, જેમાં પરિવાર સહમત થયો હતો. લગ્ન પહેલાં પાટીદાર પરિવારે સુરતમાંથી કપડાં તેમજ ₹3,000નો સોનાનો દાણો અને ₹4,000ના ચાંદીના સડાની ખરીદી કરી ભાગ્યશ્રીને આપ્યા હતા. ગત તા. 30 નવેમ્બર 2025ના રોજ વેલંજા મુકામે બંનેના લગ્ન લેવાયા હતા, જ્યાં કેશુભાઈને ₹2,65,000 રોકડા અને ₹15,000 બેંક મારફતે ચૂકવવામાં આવ્યા હતા. લગ્ન સમયે દુલ્હનને ₹12,000નો મોબાઈલ પણ અપાયો હતો.

લગ્નના 13મા દિવસે મામા-મામી તેડવા આવ્યા ને કન્યા ગાયબ! લગ્ન બાદ ભાગ્યશ્રી તેના સાસરે આવી હતી. પરંતુ લગ્નના ગણતરીના દિવસોમાં જ એટલે કે તા. 13 ડિસેમ્બર 2025ના રોજ મહારાષ્ટ્રથી તેના મામા-મામી હોવાનો દાવો કરનાર વ્યક્તિઓ તેને પિયર તેડવા માટે આવ્યા હતા. જેથી વેપારીએ પત્નીને 15 દિવસ માટે પિયર જવા દીધી હતી. શરૂઆતના 10 દિવસ સુધી ફોન પર વાતચીત થઈ હતી, પરંતુ ત્યારબાદ ભાગ્યશ્રીનો ફોન બંધ થઈ ગયો હતો અને તેનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.