સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોળધા ગામે આવેલો ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે વિરા નદી બે કાંઠે વહેતા ગામના ગરમા ડુંગરી ફળિયા તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. આના કારણે ફળિયાના લોકોને ગામમાં આવવા માટે બે કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે.
હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને માંડવી તાલુકામાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓ, નાળાઓ અને ચેકડેમ છલકાઈ ગયા છે.
ગોળધા ડેમ ઓવરફ્લો થતાં અદભુત દૃશ્યો સર્જાયા હતા, જ્યાં સ્થાનિકો માછમારી કરતા પણ જોવા મળ્યા હતા. જોકે, આ ડેમ દર ચોમાસામાં ઓવરફ્લો થાય છે અને ઉનાળામાં માંડવી તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.
ગોળધા ગામ વિરા નદીના બંને કિનારે વહેંચાયેલું છે, જેમાં ગરમા ડુંગરી ફળિયું નદીના સામે કિનારે આવેલું છે. સામાન્ય રીતે લોકો પગપાળા ગામમાં અવરજવર કરી શકે છે. પરંતુ ડેમ ઓવરફ્લો થતાં અને વિરા નદીમાં પાણી વધતાં સ્થાનિકો દ્વારા બનાવેલો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે.

