Gujarat

કડોદરામાં અકસ્માતે યુવકનો જીવ લીધા બાદ મોતનો કટ બીજીવાર બંધ

કડોદરા અંદર પાસે અવારનવાર સર્જાતા અકસ્માતોને કારણે માર્ગ અને મકાન વિભાગે આખરે જીવલેણ કટ બીજી વાર બંધ કરવાની ફરજ પડી છે. સુરત-બારડોલી માર્ગ પર માત્ર 1 કિલોમીટરના ચકરાવાથી બચવા લોકો જીવના જોખમે આ કટનો ઉપયોગ કરતા હતા. નાના વાહનોથી લઈને ટ્રકો પણ અહીંથી પસાર થતા હતા. સ્થાનિકોએ R&Bને વારંવાર રજૂઆતો કરી હતી અને કટ બંધ કરવા માંગ કરી હતી, પરંતુ અધિકારીઓએ આ ચેતવણીને અણદેખી કરી હતી.

તંત્રની આળસનું પરિણામ ગત અઠવાડિયે ભોગવવું પડ્યું, આ કટ પર યુવકનો અકસ્માત થયો અને તેનું મોત નિપજ્યું. માસુમ યુવકનો જીવ ગયા બાદ અને સ્થાનિકોમાં રોષ પછી જ અધિકારીઓની ઊંઘ ઊડી હતી. યુવકના મોત બાદ જ ઉતાવળે આ મોતનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે.

હજુ પણ આ 2 મોટી સમસ્યા યથાવત છે આ વિસ્તારમાં હજુ પણ દિવસ-રાત મોટી સંખ્યામાં ગાયો અને પશુઓ રસ્તા વચ્ચે બેસી રહે છે. જેના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય રહે છે. તેમજ શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ આજે પણ આ જોખમી રસ્તા પરથી જ પસાર થાય છે, જ્યાં ટ્રાફિક નિયંત્રણ કે સુરક્ષાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.