ગિરનારના જંગલમાં વસતા એશિયાટીક સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ તેમજ માનવ વસાહત ધરાવતા રહેણાક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. સિંહોનું આ પ્રકારે શહેરાભિમુખ થવું અને મારણ કરવાની ઘટનાઓ નવી નથી. ભૂતકાળમાં પણ ગિરનાર આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર અને શિકારના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે.
હાલમાં જ સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિંહણ ધોળા દિવસે પશુનો શિકાર કરતી નજરે પડે છે. જૂનાગઢના બિલખા રોડ પર આવેલા પાવર હાઉસ નજીક ખુલ્લા પટમાં સિંહણે એક પશુ પર ત્રાટકીને તેનો શિકાર કર્યો હતો. શિકાર કર્યા બાદ સિંહણે ત્યાં જ બેસીને નિરાંતે મારણની મિજબાની માણી હતી.

આ ઘટના રોડની સાવ નજીક જ બની હોવાથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળે-ટોળાં એકઠા થઈ ગયા હતા. લોકોએ સિંહણની આ લાઈવ મિજબાની પોતાની નજરે જોઈ હતી. શિકારનો આ રોમાંચક અને ભયાનક નજારો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જોતજોતામાં આ વિડીયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો હતો.

