જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલા ગામના વાડી વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે એક સગર્ભા મહિલાની ખેતરમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. રસ્તાઓ બંધ હોવાને કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી, ત્યારે ટીમે સમયસૂચકતા વાપરી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો.
ઘટના ગલા ગામના વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જોકે, સતત વરસાદને કારણે વાડી તરફ જતો કાચો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો અને કાદવ-કીચડના કારણે એમ્બ્યુલન્સ મહિલાના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી.

પરિસ્થિતિની ગંભીરતા સમજીને 108 ના સ્ટાફે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પગપાળા જ ખેતર તરફ જવાનો નિર્ણય કર્યો. 108 ની ટીમે પરિવારજનોની મદદથી મહિલાને ખાટલામાં સુવડાવીને મુખ્ય રસ્તા પર ઊભેલી એમ્બ્યુલન્સ તરફ લાવવાનું શરૂ કર્યું. પરંતુ એમ્બ્યુલન્સ સુધી પહોંચે તે પહેલાં જ મહિલાની પ્રસૂતિ પીડા અત્યંત વધી ગઈ. પરિસ્થિતિ વધુ નાજુક બનતાં, ટીમે રસ્તામાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવવાનો સાહસિક નિર્ણય લીધો.
કુશળતા અને તબીબી માર્ગદર્શિકા મુજબ ખેતરમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી. ત્યારબાદ, નવજાત શિશુ અને માતા બંનેને ખાટલા પર ઊંચકીને લગભગ 800 મીટર સુધી ચાલીને એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

