Gujarat

કારગિલ વિજય દિવસે મેગા રક્તદાન કેમ્પ

કારગિલ વિજય દિવસ નિમિત્તે ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલી હોનેસ્ટ રેસ્ટોરેન્ટ ખાતે હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન અને રોટરી રોયલના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની બ્લડ બેંકોમાં લોહીની અછત વચ્ચે યોજાયેલા આ કેમ્પમાં મોટી માત્રામાં રક્ત એકત્ર કરી થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓની સહાય માટે બ્લડ બેંકને સોંપવામાં આવ્યું હતું.

થેલેસેમિયાના દર્દીઓની હાલાકી દૂર કરવા સમાજને રાહ ચિંધ્યો ભાવનગરની બ્લડ બેંકોમાં હાલ લોહીની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે થેલેસેમિયાથી પીડાતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને સંસ્થાઓએ કારગિલ વિજય દિવસે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી પ્રેરણાદાયી કાર્યો કર્યા હતા. કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ સ્વયંભૂ રક્તદાન કરીને દેશના શૂરવીરોને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

છેલ્લા 10 વર્ષથી સતત રક્તદાન કેમ્પનું આયોજન ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશનના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી કારગિલ વિજય દિવસ પર રક્તદાન કેમ્પ યોજીએ છીએ. આપણે બોર્ડર પર જઈને સરહદની સેવા કરી શકતા નથી, પરંતુ દેશ માટે બલિદાન આપનારા શહીદોની સ્મૃતિમાં આ આયોજન કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગરની જનતાએ સ્વયંભૂ આગળ આવીને બહોળો પ્રતિસાદ આપ્યો છે.