Gujarat

સુરતમાં પૂરના પાણી ઓસરતાં જ સફાઈ કામગીરી શરૂ

સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને તેને પગલે ઊભી થયેલી પૂર જેવી સ્થિતિ બાદ હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોની સલામતી, આરોગ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપીને મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે રાહત, સફાઈ અને માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બંધ થયેલા રસ્તાઓ પુનઃ શરૂ કરવામાં આવ્યા વરસાદ દરમિયાન સુરક્ષિત વાહનવ્યવહાર અને નાગરિકોની જાનમાલની સુરક્ષા માટે તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 24 જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. પાણી ઓસરતાં જ મહાનગરપાલિકાની અલગ-અલગ ટીમો દ્વારા આ તમામ રસ્તાઓ પરથી કાદવ-કીચડ દૂર કરી, સફાઈ અભિયાન ચલાવીને અને જરૂરી રોડ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરીને 23 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.

હાલમાં માત્ર કોઝવે સર્કલ નજીકનો એક જ રસ્તો બંધ છે, જ્યાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. ત્યાં પણ પાણી સંપૂર્ણપણે ઓસરી જતાં જ તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ અને મરામતની કામગીરી પૂરી કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવશે.

શહેરના ખાસ કરીને પૂરની અસરથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારો જેવા કે ભરત કેન્સર હોસ્પિટલ રોડ, સારોલી ગામ અને સણીયા ગામમાં વરસાદી પાણી વહ્યા બાદ રસ્તાઓ પર વિખરાયેલો કચરો અને કાદવ હટાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા આ વિસ્તારોને વહેલી તકે સામાન્ય સ્થિતિમાં લાવવા માટે જેસીબી અને જેટીંગ મશીનો જેવા સાધનોનો ઉપયોગ કરીને માર્ગોને સુરક્ષિત અને અવરજવરલાયક બનાવવામાં આવ્યા છે, જેથી નાગરિકોને પોતાની દિનચર્યા શરૂ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.