Gujarat

હિંમતનગરનો હાથમતી વિયર 5 કલાકમાં ભરાયો

હિંમતનગરમાં હાથમતી નદી પરનો વિયર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં રાત્રી દરમિયાન વરસેલા વરસાદને કારણે હાથમતી વિયર 8 ફૂટ ભરાઈ ગયો હતો, જેના પરિણામે રવિવારે સવારે 4 વાગ્યે ખાલી રહેલો વિયર પાંચ કલાકમાં સંપૂર્ણ ભરાઈ ગયો અને ઓવરફ્લો થયો. હાલમાં વિયરમાંથી હાથમતી નદીમાં 40 ક્યુસેક પાણી વહી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહેતાપુરા કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક યુવાનો કોઝવે પર વહેતા પાણીમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા, જોકે પોલીસ આવતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. હિંમતનગરમાં પણ ફરી વરસાદ શરૂ થયો છે.

સાબરકાંઠા જિલ્લાના અન્ય જળાશયોની સ્થિતિ જોઈએ તો, ગુહાઈમાં 2038 ક્યુસેક, હાથમતીમાં 1190 ક્યુસેક અને ખેડવામાં 20 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જવાનપુરા બેરેજમાં 50 ક્યુસેક પાણીની આવક સામે 50 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.

સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં આઠમાંથી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોશીનામાં સૌથી વધુ 16 મિમી, ખેડબ્રહ્મામાં 04 મિમી, વિજયનગરમાં 03 મિમી, વડાલીમાં 02 મિમી અને ઇડરમાં 01 મિમી વરસાદ પડ્યો છે. સાબરમતી નદી પર આવેલા હીરપુરા બેરેજમાં પાણીની સતત આવક વધતા, તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ બેરેજમાંથી જરૂરિયાત મુજબ પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.