અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મહિલાને સાયન્સ સિટીમાં રૂ. 25 લાખમાં ફ્લેટ અપાવવાનું વચન આપી એક કથિત બિલ્ડરે રૂ. 11 લાખ પડાવી લીધા છે. આ મામલે કંચનબેન કુરાનીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે આરોપી વિરમસિંહ રાઠોડ વિરુદ્ધ અગાઉ સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરવાની ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે.
સસ્તા રોકાણની લાલચ આપી બિલ્ડર સાથે સંપર્ક કરાવ્યો ફરિયાદ મુજબ, ત્રણ વર્ષ અગાઉ કંચનબેનના એક ઓળખીતાએ તેમના ઘરે આવીને સાયન્સ સિટી સ્થિત હેતાર્થ પાર્ટી પ્લોટ પાસેની સ્કીમમાં રોકાણ કરવાની વાત કરી હતી. કંચનબેન ઓછા ભાવે ફ્લેટ લેવા સહમત થતાં તેમનો સંપર્ક વિરમસિંહ રાઠોડ સાથે કરાવવામાં આવ્યો હતો. વિરમસિંહે પોતાની ઓળખ બિલ્ડર તરીકે આપીને નવરચિત સ્કીમનું બ્રોશર બતાવી રૂ. 25 લાખમાં ફ્લેટ આપવાનું નક્કી કર્યું હતું.
ટુકડે-ટુકડે નાણાં લીધા બાદ પઝેશન આપવાનો ઇનકાર કંચનબેને શરૂઆતમાં ટોકન પેટે રૂ. 1 લાખ આપ્યા હતા અને ત્યારબાદ કટકે-કટકે કુલ રૂ. 11 લાખ ચૂકવી દીધા હતા. નાણાં મળ્યા બાદ વિરમસિંહે છ મહિનામાં મકાનનું પઝેશન આપવાની ખાતરી આપી હતી, પરંતુ સમયમર્યાદા પૂરી થયા પછી પણ પઝેશન આપ્યું નહોતું અને સંતોષકારક જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.

