Gujarat

ધોલેરાનું વણિતળાવ ગામ ટાપુ બન્યું, ભોગાવો નદીમાં પૂર

ધોલેરા તાલુકાના વણિતળાવ ગામમાં ભોગાવો નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે. પરિણામે, ગામનો આસપાસના વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને ગામ ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ, જિલ્લા પ્રશાસન અને NDRFના સંકલનથી ગામમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આનંદપુર અને બુરાનપુર ગામ તરફ જતા એપ્રોચ રોડ પર ભોગાવો નદીના પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પોલીસે જરૂરી બંદોબસ્ત ગોઠવી જોખમજનક રીતે પાણીમાંથી પસાર થતા લોકોને રોકવા માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરે. નદી કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનો પ્રયાસ ન કરે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખી પોલીસ તથા જિલ્લા પ્રશાસનની સૂચનાઓનું પાલન કરે. તમામ બચાવ એજન્સીઓ સંકલનપૂર્વક કામગીરી કરી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.