Gujarat

‘હાથમાં પહેરેલું સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે, અમને આપશો તો લક્ષ્મીના દર્શન થશે’, તેમ કહીને સિનિયર સિટીઝન મહિલાને ફોસલાવી સોનાના દાગીના પડાવનાર ઠગ ગણતરીના કલાકોમાં ઝડપાયો

વડોદરા શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી ધાર્મિક વાતો અને અંધશ્રદ્ધાનો સહારો લઈ સોનાના દાગીના પડાવી લેતી ગેંગના એક આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 3.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે તેનો સાગરીત હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સિનિયર સિટીઝન મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી સોનાના દાગીના પડાવી લેતી ગેંગ નંબર પ્લેટ વગરની બાઇક પર વડોદરા શહેરમાં ફરી રહી છે. બાતમીના આધારે શહેરમાં વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન આજવા ચોકડી રાત્રી બજાર નજીક નંબર પ્લેટ વગરની બાઇક પર આવી રહેલા એક શંકાસ્પદ વ્યક્તિને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપી સાદકહસન અલીમુદ્દીન દીનમહંમદ શા (ફકીર) (રહે. ઉત્તરાખંડ) હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીની ટ્રાવેલિંગ બેગની તપાસ દરમિયાન બે સોનાની બંગડીઓ, એક સોનાની વીંટી, વિવિધ ગ્રહોના 19 પથ્થરના નંગ, મોબાઇલ, રોકડ રકમ અને અન્ય સામાન મળી આવ્યો હતો. દાગીના અંગે કોઈ આધાર પુરાવો કે ખરીદીના બિલ રજૂ કરી શક્યો ન હોવાથી પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, 26 જુલાઈના રોજ રાવપુરા વિસ્તારના લાલકોર્ટ પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલી એક વૃદ્ધ મહિલાને તેણે અને તેના સાગરીત ઇલ્યાસમહમંદ હકીમીએ નિશાન બનાવી હતી. આરોપીઓએ મહિલાને “તમારા દીકરાને મોટું સંકટ આવવાનું છે, હાથમાં પહેરેલું સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે, તેને અમને આપશો તો લક્ષ્મીના દર્શન થશે” તેવી વાતોમાં ફોસલાવી હતી તેમના હાથમાંથી બે સોનાની બંગડીઓ અને એક વીંટી ઉતરાવી લીધી હતી અને 51 ડગલા ચાલો તેમ કહીને બાઇક પર ફરાર થઈ ગયા હતા. બંને આરોપી ઉતરાખંડ થી મુંબઈ, સુરત થી વડોદરા આવ્યા હતા. મુંબઈ અને સુરતમાં વરસાદ હોવાથી તેઓ વડોદરા ઠગાઈ કરવાના ઇરાદે આવ્યા હતા.