Gujarat

રખડતા શ્વાનના મામલે ગુજરાત હાઇકોર્ટનું સુઓમોટો; રાજ્ય-કેન્દ્ર સરકાર સહિત તમામ મનપા. પાસે માંગ્યો એક્શન પ્લાન

દિવસે ને દિવસે રખડતા શ્વાનોના હુમલાના કિસ્સાઓ, શ્વાન ના લીધે માર્ગ અકસ્માતોમાં વધારો થતા ગંભીર જાહેર હિતનો મુદ્દો માની ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. હાઇકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને નોટિસ ફટકારી છે.

સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે રખડતા શ્વાનોની સમસ્યા હવે માત્ર શહેરી વિસ્તારો પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પણ લોકોના જીવ અને સુરક્ષા માટે ગંભીર પડકાર બની રહી છે. શ્વાન કરડવાના બનાવો, બાળકો અને વૃદ્ધો પર થતા હુમલા તેમજ રસ્તા પર અચાનક દોડી આવતાં શ્વાનોના કારણે અકસ્માતોની વધતી ઘટનાઓને કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને તમામ મહાનગરપાલિકાઓને અત્યાર સુધીમાં રખડતા શ્વાનોના નિયંત્રણ, સ્ટેરિલાઇઝેશન (નસબંધી), રસીકરણ, પુનર્વસન અને વસ્તી નિયંત્રણ માટે કયા પગલાં લેવામાં આવ્યા છે તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ રાજ્ય સ્તરે એકસમાન નીતિ હેઠળ આગામી સમયમાં કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, તેનો રોડમેપ અને અમલીકરણની યોજના પણ કોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે.

તેમજ અનેક વખત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પણ રખડતા પ્રાણીઓના કારણે અકસ્માતો બનતા હોવાના મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પણ જવાબ આપવા કહ્યું છે કે હાઇવે પર આવા જાેખમને ઘટાડવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે.

સુનાવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ જી. એચ. વિર્કે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ મુદ્દે ગંભીર છે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા વિવિધ સ્તરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકાર તમામ સંબંધિત માહિતી અને કામગીરીનો વિગતવાર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે.આ કેસની આગામી સુનાવણી ૪ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. તે દિવસે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, તમામ મહાનગરપાલિકાઓ, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબો અને કાર્યવાહી અહેવાલના આધારે હાઇકોર્ટ દ્વારા આગળની દિશા નક્કી કરવામાં આવશે.