તારાપુર તાલુકાના મોરજ ગામે ઇસરવાડા-મોરજ રોડ પર એક તળાવડીમાં 4 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. વન વિભાગ અને નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમે ત્રણ દિવસની સતત વોચ બાદ આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ દરમિયાન ઇસરવાડા-મોરજ રોડ પર આવેલી ગેબનશા પીરની દરગાહ પાસેની તળાવડીમાં આશરે 4 ફૂટ લાંબો મગર આવી પહોંચ્યો હતો. રસ્તે અવરજવર કરતા લોકો અને ગ્રામજનોની નજરે આ મગર પડતા જ ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાગૃત ગ્રામજનોએ તાત્કાલિક તારાપુર ફોરેસ્ટ વિભાગને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ તારાપુર ફોરેસ્ટ વિભાગ અને ‘નેચર હેલ્પ ફાઉન્ડેશન’ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
બંને ટીમોએ સંકલન સાધીને સતત ત્રણ દિવસ સુધી રાત-દિવસ તળાવડી આસપાસ વોચ ગોઠવી હતી. મગર તળાવડીના કિનારે બહાર આવતા જ, રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત અને કુશળતાપૂર્વક તેને જીવતો પકડી પાડી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો.

