રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઈસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં કુલ 35,000 ચોરસમીટર વિસ્તારના રસ્તાઓ પર રૂ. 1.72 કરોડના અંદાજિત ખર્ચે થર્મોપ્લાસ્ટ માર્કિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે સંબંધિત એજન્સી દ્વારા 34.34% ડાઉનથી કામ કરવા સહમતી દર્શાવવામાં આવી છે. આવતીકાલે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુ. કમિશનર દ્વારા મોકલવામાં આવેલી આ સહિતની 13 મહત્વની દરખાસ્તો પર ચર્ચા-વિચારણા કરીને આખરી મંજૂરી આપવામાં આવશે.
આ ઉપરાંત બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે 37 પ્રકારની સામગ્રી સપ્લાય કરવાનો દ્વિવાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ, જૂના રદ્દી રેકોર્ડ અને પસ્તીના વેચાણ તથા આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકોને નિયત મેનુ મુજબ પૂરક આહાર આપવાના કોન્ટ્રાક્ટ અંગે નિર્ણય લેવાશે. શહેરના માળખાકીય વિકાસ માટે વોર્ડ નં. 12માં ઓમ પાર્ક અને નંદનવન મેઇન રોડ પર સ્ટોર્મ વોટર લાઇન નાખવા, વોર્ડ નં. 15માં ગંજીવાડા શેરી નં. 1 થી 7માં ડ્રેનેજ લાઇન અપગ્રેડ કરવા, વોર્ડ નં. 16માં ભૂગર્ભ ગટર ફરિયાદોના નિકાલ, વોર્ડ નં. 3માં નવી આંગણવાડી કેન્દ્ર બનાવવા જેવી લોકોને ઉપયોગી દરખાસ્તોને મંજૂર કરવામાં આવે તેવી શક્યતા છે.

