Gujarat

હાઈટેન્શન વીજ લાઈન વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ

જામનગરમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન સામે મળતા વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સરકારના વિવાદાસ્પદ પરિપત્રના વિરોધમાં વિરલ બાગથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કિસાન આગેવાનો અને વિવિધ સમિતિના હોદ્દેદારો જોડાયા હતા.

કિસાન આગેવાન પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે, હાઈટેન્શન વીજ લાઈન સામે ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર મળવું અનિવાર્ય છે. અગાઉ સરકાર દ્વારા જારી કરાયેલો પરિપત્ર રાજ્યના ખેડૂતોને બિલકુલ મંજૂર નથી. ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને ન્યાયી વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય કિસાન આગેવાન વિપુલભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકારના પરિપત્ર મુજબ જ ગુજરાત સરકારે પણ ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ અને આ અંગે વહેલી તકે સત્તાવાર નિર્ણય લેવો જરૂરી છે.

તેમણે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય, તો કોઈપણ સંજોગોમાં ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરવા દેવામાં આવશે નહીં.