Gujarat

જામનગરમાં પંચાયતી રાજ પદાધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ

જામનગરના ટાઉનહોલ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.

પ્રભારી મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિકાસમાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધિઓને જરૂરી જ્ઞાન અને તાલીમ મળવી અનિવાર્ય છે.

તેમણે પદાધિકારીઓને લોકોની અપેક્ષાઓને અનુરૂપ પારદર્શિતા, જવાબદારી અને જનભાગીદારી સાથે વિકાસ કાર્યો હાથ ધરવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, મતદારોએ વિશ્વાસ સાથે સોંપેલી પાંચ વર્ષની જવાબદારીનું સફળતાપૂર્વક નિર્વહન કરવા માટે ફરજો, સત્તાઓ અને કાર્યપદ્ધતિની સમજણ હોવી અત્યંત જરૂરી છે.

મંત્રીએ ઉમેર્યું કે, અભ્યાસવર્ગો અને તાલીમ કાર્યક્રમો માત્ર ઔપચારિકતા નથી, પરંતુ જનપ્રતિનિધિઓ માટે નવી માહિતી, નવી પદ્ધતિઓ અને વિકાસલક્ષી અભિગમો સમજવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. સરકારી અધિકારીઓ પણ સતત તાલીમ મેળવી પોતાની કામગીરી વધુ અસરકારક બનાવે છે.

તેથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ સમયાંતરે યોજાતા તાલીમ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લઈ નવી બાબતો શીખવી જોઈએ અને તેને પોતાના વિસ્તારના વિકાસમાં ઉપયોગમાં લેવી જોઈએ. વિકાસ અને સુશાસનના ક્ષેત્રમાં સતત પરિવર્તન આવતું હોવાથી અનુભવી જનપ્રતિનિધિઓ પણ આવા અભ્યાસવર્ગોમાં જોડાઈને જાણકારી મેળવે છે.

જનપ્રતિનિધિઓની કાર્યક્ષમતા અને જાગૃતિ વધવાથી વિકાસનો લાભ સામાન્ય નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પંચાયતી રાજ સંસ્થાઓની ક્ષમતામાં વધારો કરી ગ્રામ્ય વિકાસના કાર્યોને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવાનો હતો. મંત્રીએ આશા વ્યક્ત કરી કે આ તાલીમ ગ્રામ વિકાસના લક્ષ્યોને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.