દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવે પર સરકારી જમીન પર અનઅધિકૃત દબાણો અને અનધિકૃત પ્રવેશ માર્ગો સામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વહીવટી અને પોલીસ તંત્રના સહયોગ સાથે સંયુક્ત મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં લગભગ ત્રણેક દિવસ સુધી વિશેષ ઝુંબેશ અંતર્ગત લગભગ 65 જેટલા નાના મોટા દબાણો સાથે ગેરકાયદે હાઇવે જોડાણો દૂર કરી માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનુ અભિયાન આગળ ધપાવાયુ છે.
સુમાહિતગાર સુત્રોના જણાવ્યા મુજબ દ્વારકાથી હર્ષદ અને કુરંગાથી ઝાંખર પાટીયા સુધીમાં વિશેષ અભિયાન અંતર્ગત ત્રણેક દિવસ દરમિયાન ઘોરીમાર્ગ વિસ્તારમાં ખડકાયેલા નાના મોટા ગેરકાયદે દબાણો, અનઅધિકૃત હાઇવે જોડાણો વગેરે મળી 65 જેટલા દબાણો હાઇવે ઓથોરીટીની ખાસ ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે.
ઉપરાંત હાઇવે પર જુદા જુદા 42 અનઅધિકૃત ગેપ પણ બંધ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ આ ઝુંબેશ બાદ હાઇવે કિનારે આવેલા પેટ્રોલ પંપ, હોટલ તથા અન્ય વ્યાવસાયિક એકમોના સંચાલકોમાં જરૂરી મંજૂરી અને નિયમિત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દોડધામ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ હાઇવે ઓથોરીટના સાઇટ ઇજનેર વત્સલ પટેલના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકાના જુદા જુદા નેશનલ હાઇવે પરના વિસ્તારોમાં ગત સોમવાથી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જે હજુ યથાવત રહેશે એવા નિર્દેશ સાંપડી રહયા છે.

