ગુજરાત રાજ્યમાં આગામી 2 ઓગસ્ટ સુધી મેઘરાજા મુસળધાર બેટિંગ કરશે તેવી અતિ ગંભીર આગાહી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના બુલેટિન મુજબ રાજ્યના અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત કુલ 14 જેટલા જિલ્લાઓમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 6 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય 15 જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદના ખતરાને પગલે વહીવટી તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરા પૂર્વતૈયારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે.
જૂનાગઢના જિલ્લા અધિક કલેક્ટર બી. એસ. બારડે જણાવ્યું હતું કે હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અગાઉ એસીએસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ જૂનાગઢ જિલ્લા કલેક્ટર તરફથી મળેલી સ્પષ્ટ માર્ગદર્શિકા અને સૂચનાઓ મુજબ જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.

