કડી તાલુકાના નરસિંહપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કેટલાક અજાણ્યા ઇસમોએ જેસીબી મશીન વડે કેનાલનો પાળો તોડી નાખ્યો હતો. આ ઘટના અંગે નર્મદા નિગમના કોન્ટ્રાક્ટર પ્રતિનિધિ દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કડીના નરસિંહપુરા ગામની સીમમાં વિરમગામ-૧ શાખા નહેર આવેલી છે, જેની દેખરેખ મારુતિ કન્સ્ટ્રકશન એજન્સી કરે છે. 25 જુલાઈએ કેનાલના 50/50 મીટર સાંકળ પાસે ગાબડું પડ્યું હોવાની જાણ થઈ હતી. શરૂઆતમાં તેને ભારે વરસાદને કારણે થયેલું કુદરતી નુકસાન માનવામાં આવ્યું હતું.

જોકે, 28જુલાઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બે અજાણ્યા ઇસમો જેસીબી મશીનની મદદથી ખેતરોમાં ભરાયેલું પાણી કેનાલના તોડેલા પાળામાંથી કેનાલ તરફ વહેવડાવતા સ્પષ્ટ દેખાયા હતા. ઝીણવટભરી તપાસ બાદ જાણવા મળ્યું કે નરસિંહપુરાના કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરોના પાણીના નિકાલ માટે જાતે જ જેસીબી બોલાવીને કેનાલ તોડી હતી.
આ ગેરકાયદેસર કૃત્યના કારણે સરદાર સરોવર નિગમની સરકારી સંપત્તિને આશરે ₹25,000 નું આર્થિક નુકસાન થયું છે. નર્મદા નિગમની વડી કચેરીની સૂચના બાદ એજન્સીના પ્રતિનિધિ સતિષકુમાર જશવંતભાઈ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

