કડી તાલુકામાં એક ચોંકાવનારું જમીન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 35 વર્ષ પહેલાં અવસાન પામેલા એક વૃદ્ધાને ‘જીવંત’ દર્શાવી રૂ. 51 લાખથી વધુની કિંમતી જમીન હડપવાનો પ્રયાસ થયો હતો. આ કાવતરું સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ મહિલા અને બનાવટી દસ્તાવેજોના આધારે રચાયું હતું. આ મામલે ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ કડી સબ રજીસ્ટ્રાર કચેરીના ગ્રેડ-1 સબ રજીસ્ટ્રાર જ્યોત્સનાબેન પટેલની ફરિયાદના આધારે કડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે બોગસ મહિલા અને બે સાક્ષીઓ સહિત કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કડી તાલુકાના ખંડમોરવા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 308 અને 310 ની કુલ 1-15-94 હેક્ટર-આરે-ચો.મી. ખેતીની જમીન પટેલ પુરીબહેન માણેકલાલ (રહે. દેવગઢ પટેલ વાસ, તા. કડી) ની માલિકીની હતી. પુરીબહેનનું વર્ષ 1991માં અવસાન થયું હતું.
આ કિંમતી જમીન હડપવાના ઇરાદાથી કૌભાંડીઓએ એક અજાણી સ્ત્રીને પુરીબહેન તરીકે ઊભી રાખી હતી. તાજેતરમાં 12 જૂનના રોજ કડી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે રૂ. 51,25,000 ની કિંમત દર્શાવી આ બોગસ મહિલા મારફતે જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ (નંબર 9169) તૈયાર કરાવી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં કડીના રબારી વાસમાં રહેતા વિષ્ણુભાઈ ગણેશભાઈ રબારી તથા ઉમાશિખર ફ્લેટમાં રહેતા પ્રેમલ ભરતભાઈ ગજ્જર નામના બે શખ્સોએ સાક્ષી તરીકે સહીઓ કરી હતી. આ બંને સાક્ષીઓએ સબ રજીસ્ટ્રાર સમક્ષ બોગસ મહિલા જ ખરીદનારને ઓળખતી સાચી પુરીબહેન હોવાની ખોટી ઓળખ આપી હતી અને ખોટા આધાર પુરાવા રજૂ કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

