Gujarat

યાકુતપુરા અને ચોખંડીમાં મકાન ધરાશાયી, એકનું રેસ્ક્યુ

વડોદરામાં વહેલી સવારે વરસાદ વચ્ચે ચાંપાનેર દરવાજા નજીક આવેલા યાકૂતપુરા નાકા વિસ્તારમાં એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ તેમજ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

સદનસીબે આ હોનારતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાટમાળ નીચે દબાવાથી 2 ટુ-વ્હીલર અને એક રિક્ષાને નુકસાન પહોંચ્યું છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે મકરપુરા વિસ્તારમાં કારમાં ફસાયેલ દંપતિને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.

ચોખંડી વિસ્તારમાં પણ જર્જરિત મકાન ધરાશાયી આ દુર્ઘટનાની સાથે જ શહેરના ચોખંડી વિસ્તારમાં પણ એક અન્ય જર્જરિત મકાન ધરાશાયી થતાં સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતાં તેમની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાટમાળ હટાવવાની તેમજ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

બે ઇંચ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા બીજી તરફ, વહેલી સવારે વરસેલા બે ઇંચ વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન મકરપુરા વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી પસાર થતી વખતે એક કાર બંધ પડી ગઈ હતી.

કારમાં પાણી પ્રવેશતા જ તેના સેન્સરે કામ કરવાનું બંધ કરી દેતાં તેમાં સવાર દંપતી પાણીમાં ફસાઈ ગયું હતું. વડોદરા ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી ઘટનાસ્થળે પહોંચી ટ્રેક્ટર વડે કારને ખેંચી બહાર કાઢી હતી અને દંપતીનો સલામત રીતે આબાદ બચાવ કર્યો હતો.