Gujarat

જાંબુઘોડામાં બે કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પંથકમાં આજે માત્ર બે કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

જાંબુઘોડાના ઝબાણ ગામ નજીક એક કોતરમાં પાણીના પ્રવાહમાં એક યુવક તણાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પહોંચી માનવ સાંકળ બનાવી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

ભારે વરસાદને પગલે જાંબુઘોડાનું વહીવટી તંત્ર સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. તંત્ર નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરી રહ્યું છે.

જાંબુઘોડાના ખાખરીયા ગામે રોડ પર આવેલા એક મકાનમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. મકાનમાં રહેલી મહિલાને સુરક્ષિત રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી.