Gujarat

પત્નીને ઘરમાં પૂરી પતિ મેરેજ બ્યૂરોમાં સાળી સાથે પરણ્યો

વડોદરા શહેરમાં કૌટુંબિક સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ પોતાની જ સાળી સાથે પ્રેમસંબંધ બાંધીને બીજા લગ્ન કરી લીધા હોવાનો અને પત્ની પર મિલકત પોતાના નામે કરી આપવા માટે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજાર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિત પરણિતાએ પોતાના પતિ અને નાની બહેન સામે વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

લગ્નના વર્ષો બાદ શંકા-કુશંકા અને ત્રાસનો સિલસિલો ફરિયાદી મહિલાના લગ્ન 9 માર્ચ, 2009ના રોજ કોર્ટ મેરેજ તેમજ મુસ્લિમ શરિયત મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને બે પુત્રો થયા હતા અને શરૂઆતમાં બધું સરસ ચાલી રહ્યું હતું. જોકે, નવેમ્બર-2024થી પતિની વર્તણૂકમાં ફેરફાર આવ્યો હતો. તે પત્ની પર શંકા-વહેમ રાખી ઘરમાં પૂરીને બહારથી તાળું મારી જતો હતો.

આ દરમિયાન મહિલાને પતિના મોબાઈલમાંથી પોતાની જ નાની બહેનના મેસેજ મળી આવ્યા હતા, જેથી બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. નાની બહેનના પતિ સાઉદી અરેબિયા રહેતા હોવાથી તે અલગ ભાડાના મકાનમાં રહેતી હતી અને બહેનના ઘરે આવ-જા કરતી હતી. આ દરમિયાન પતિ અને સાળી વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો.

સોનું પડાવી સાળી સાથે મેરેજ બ્યુરોમાં કર્યા લગ્ન પતિએ 7 માર્ચ, 2025ના રોજ પત્નીના પિયરપક્ષ તરફથી મળેલા સોનાના દાગીના મુચ્યુઅલ ફાઈનાન્સમાં મૂકવાના બહાને લઈ લીધા હતા. ત્યારબાદ 24 એપ્રિલ, 2025ના રોજ રાવપુરા રોડ પર આવેલા એક મેરેજ બ્યુરોમાં સાળી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ પતિ સાળી સાથે અલગ ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો હતો અને પત્ની તથા બાળકોનો ફોન નંબર બ્લોક કરી ઘરખર્ચ આપવાનું પણ બંધ કરી દીધું હતું.