સુરત શહેરને નશાબંધી તરફ આગળ ધપાવવા અને યુવાધન નશાની ગર્તામાં ન ધકેલાય તે હેતુથી ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ ખાસ અભિયાન અંતર્ગત સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પાડીને નશીલા પદાર્થોની હેરાફેરી કરતી આંતરરાજ્ય અને સ્થાનિક ગેંગનો પર્દાફાશ કર્યો છે.
મહીધરપુરા, અમરોલી અને લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરી દરમિયાન 9.9 કિલોગ્રામથી વધુ વનસ્પતિજન્ય ગાંજો, 3.79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા 105 બોટલ પ્રતિબંધિત કોડેન સિરપ મળી કુલ રૂ. 5.3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્રણ મુખ્ય સાગરીતોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
9 કિલોથી વધઉ ગાંજા સાથે એક ઝડપાયો મહીધરપુરા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે સીટી બસ સ્ટેશન વિસ્તારમાં પ્લેટફોર્મ નંબર-3 પાસેના પતરાના શેડમાં દરોડો પાડ્યો હતો. જ્યાં શંકાસ્પદ હાલતમાં ઊભેલા એક ઈસમની તલાશી લેતા તેની પાસેથી 9 કિલો 905 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. જેની અંદાજિત બજાર કિંમત રૂ. 4,95,250 થાય છે.
પોલીસે ઘટનાસ્થળેથી જ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની સિમાંચલ સંતોષ ગૌડા (ઉંમર વર્ષ 26) નામના આરોપીને તાબે લીધો હતો. આ આરોપી પાસેથી ગાંજા ઉપરાંત રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, રેલવે ટિકિટ અને સામાન મળી કુલ રૂ. 5,06,050 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો ઓડિશાથી સુરતમાં ખપાવવા માટે લાવવામાં આવ્યો હતો. આ ગુનામાં ઓડિશાના રહેવાસી સાગર સ્વાંઇ અને મીટ્ટુ સ્વાંઇ નામના બે સાગરિતોને પણ વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ડ્રગ્સ સપ્લાય કરનારને અમરોલી પોલીસે દબોચી લીધો બીજી તરફ, અમરોલી પોલીસે નશીલા પદાર્થોની સપ્લાય ચેઇન તોડવામાં મોટી સફળતા મેળવી છે. થોડા દિવસો પહેલા ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુન ગાર્ડન પાસેથી 3.79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત રૂ. 37,900) સાથે કેતન ઉર્ફે વકીલ પટેલ નામનો શખ્સ પકડાયો હતો. તે ગુનામાં મૂળ ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ફરાર હતો.
અમરોલી પોલીસની સર્વેલન્સ ટીમને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ હકીકત મળી હતી કે, આ ગુનામાં નાસતો ફરતો સપ્લાયર કોસાડ આવાસ વિસ્તારમાં સંતાયેલો છે. જેના આધારે અમરોલી પોલીસે કોસાડ આવાસ એચ-2 ખાતેથી મુસ્તકીમ ઉર્ફે મેમે હમીદ દિવાન (ઉંમર વર્ષ 31) નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે તેણે જ કેતન ઉર્ફે વકીલને વેચાણ અર્થે આ મેફેડ્રોન ડ્રગ્સ પૂરું પાડ્યું હતું.

