Gujarat

લિંબાયતના આશીફખાન હત્યા કેસમાં બિલ્ડરની ધરપકડ

સુરત શહેરના ચર્ચાસ્પદ આશીફખાન ઇરશરતખાન પઠાણ (ઉં.વ. 26) હત્યા કેસમાં લિંબાયત પોલીસને એક અતિ મહત્વની સફળતા સાંપડી છે. આ ગુનામાં મુખ્ય ષડયંત્ર રચનાર અને કોન્ટ્રાક્ટ કિલિંગની સુપારી આપનાર ભાવનાનગર, લિંબાયત ખાતે આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 402માં રહેતા 44 વર્ષીય બિલ્ડર મોહમ્મદ હાસીમ કબુલ એહમદ સિદ્દીકીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી મોહમ્મદ હાસીમ માત્ર બિલ્ડિંગ નિર્માણના વ્યવસાય સાથે જ સંકળાયેલો નથી, પરંતુ તે લિંબાયત, ઉધના, સચિન GIDC અને ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

તેની સામે અગાઉ હત્યાનો પ્રયાસ (IPC 307), આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર શસ્ત્રો રાખવા, ધાકધમકી આપી ખંડણી માંગવી (IPC 387), ધાડ અને લૂંટ (IPC 395, 397), તથા આસિસ્ટન્ટ પોલીસ અને જાહેર સેવકો પર હુમલો કરવા જેવા 12થી વધુ અત્યંત ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુનાખોરીની દુનિયામાં વર્ચસ્વ ધરાવતો આ બિલ્ડર પોતાની સામાજિક કે વ્યવસાયિક અદાવતમાં સુપારી આપીને હત્યા કરાવવા સુધી પહોંચી ગયો હતો.

હિંદ ટી સેન્ટર સામે જાહેરમાં ખેલાયો હતો લોહિયાળ ખેલ ઘટનાની વિગત મુજબ, ગત તા. 13/05/2026 ના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં મારુતિનગર સર્કલથી નીલગીરી સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ હિંદ ટી સેન્ટર આગળ 26 વર્ષીય યુવક આશીફખાન ઇરશરતખાન પઠાણ પર અચાનક ઘાતક હથિયારો સાથે ત્રુટી પડેલા અસામાજિક તત્વોએ જાહેરમાં હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ આશીફખાનના બંને પગ, બંને હાથ, ગળાના ભાગે, કપાળ પર તેમજ પીઠના ભાગે તીક્ષ્ણ શસ્ત્રો વડે અનેક ગંભીર અને જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પદ્માવતી સોસાયટી, લિંબાયત ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના વતની જાફરઅલી મહોબતઅલી શેખ (ઉં.વ. 45) એ લિંબાયત પોલીસ સ્ટેશનમાં કલીમઉદ્દીન, શહજાદ અને મોહમ્મદ દિલશાદ નામના ઇસમો વિરુદ્ધ વિધિવત રીતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.