દસક્રોઈ તાલુકાના ભુવાલ ગામે માતાજીની માંડવીમાં રસ્તેથી પસાર થવા જેવી બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં ભોઈ સમાજના લોકો પર હિંસક હુમલો કરાયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા એક વૃદ્ધનું એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકોને ઈજાઓ પહોંચી છે.
ઘટના અંગે કણભા પોલીસ મથકે 14 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ બનાવની વિગતો અનુસાર, 20 ઓક્ટોબરની રાત્રે ભુવાલ ગામે માંડવીના કાર્યક્રમ દરમિયાન ધર્મેશ ભોઈ સાથે અન્ય સમાજના કેટલાક લોકોનો રસ્તા બાબતે ઝઘડો થયો હતો.
આ બાબતનું મનદુઃખ રાખી 22 ઓક્ટોબરના રોજ સવારે 9-00 વાગ્યે ગામના વડના ઓટલા પાસે બેઠેલા રમેશભાઈ ભોઈ, રામાભાઈ ભોઈ અને અશોકભાઈ ભોઈ પર 10 થી 15 લોકોના ટોળાએ તલવાર, લોખંડની પાઈપ, લાકડીઓ અને બાઈકની ચેઈન જેવાં ઘાતક હથિયારોથી અચાનક હુમલો કરી દીધો હતો.

