Gujarat

રાષ્ટ્રીય એકતા દિવસની સુરતમાં તૈયારીઓ પૂરજોશમાં

સુરતમાં આગામી 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાનાર મુખ્ય કાર્યક્રમ સાથે તાલ મિલાવીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

‘એકતા-જન ભાગિદારી-સમાજ સેવા-સમ્માન’ની થીમ પર આધારિત આ કાર્યક્રમો અંતર્ગત રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં અને મેયરની અધ્યક્ષતામાં મનપા કક્ષાની એક મહત્વપૂર્ણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી.

સુરતના તમામ 30 વોર્ડમાં એકતા રેલી અને યાત્રા આયોજનના ભાગરૂપે સુરતના તમામ 30 વોર્ડમાં એકતા રેલી અને યાત્રાઓનું વિશેષ આયોજન કરાયું છે. સુરત અને અમદાવાદ સહિતની ચાર મનપામાં વોર્ડ દીઠ બે એકતા યાત્રા કાઢવામાં આવશે. સુરતના દરેક વોર્ડમાં બે અલગ-અલગ જગ્યાએથી યાત્રા પ્રસ્થાન થશે અને વોર્ડના નક્કી કરેલા એક નિશ્ચિત સ્થળે બંને યાત્રાઓ એકત્રિત થશે.

આ યાત્રામાં નગરજનોની વ્યાપક ઉપસ્થિતિ રહે તે હેતુસર દરેક વોર્ડમાં ઓછામાં ઓછા પાંચ હજાર લોકો જોડાય તેવી ખાસ વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત, કેવડિયા ખાતેથી કાર્યક્રમનું લાઇવ પ્રસારણ અને એકતા યાત્રામાં જોડાયેલા નાગરિકો, કાર્યકરો અને વિવિધ એનજીઓ સરળતાથી નિહાળી શકે તે માટે પણ યોગ્ય પ્રબંધ કરવામાં આવ્યા છે.