Gujarat

ક્રેડિટ કાર્ડમાં રીવોર્ડ પોઇન્ટ આપવાનું કહીને 1.85 લાખની ઠગાઈ

અમદાવાદ કાલુપુરના વેપારીને અજાણી યુવતીએ ICICI બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી હોવાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડમાં 4 હજાર રીવોર્ડ પોઇન્ટ આપવાના બહાને 1.85 લાખ પડાવ્યા છે. યુવતીએ વેપારીને ફોર્મ મોકલી વિગતો મેળવી હતી, જેબાદ OTP પણ મેળવી લીધો હતો. જેના આધારે વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી 1.85 લાખનું ફ્રોડ કર્યું હતું. જે મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ICICI બેંકના નામે કોલ કરીને વેપારીને છેતર્યો કાલુપુરમાં કપડાની દુકાન ચલાવતા નારણ પુરોહિતને અજાણી યુવતીનો ફોન આવ્યો હતો. યુવતીએ ICICI બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી હોવાની ઓળખ આપીને જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડ પર 4000 રીવોર્ડ પોઇન્ટ મળી રહે છે, પોઇન્ટ મેળવવા હોય તો પ્રોસેસ કરવી પડશે. નારણભાઈએ પ્રોસેસ કરવાનું જણાવતા યુવતીએ એક લિંક મોકલી હતી.

OTP આપ્યો ને ફોન હેન્ગ થયો, 1.85 લાખ ઉપડી ગયા આ લિંક ખોલી તેમાં ડીટેલ ભરવાનું જણાવતા નારણભાઈએ પાનકાર્ડ, આધારકાર્ડ, ઈમેલ એડ્રેસ, સરનામુ, મોબાઈલ નંબર સહિતની વિગત ભરી હતી. જે બાદ તેમના પર OTP આવતા OTP પણ તેમણે ફોર્મમાં ઓનલાઈન સબમીટ કર્યો હતો. જેથી તેમનો ફોન હેન્ગ થઈ ગયો. બે અલગ અલગ ટેક્સ્ટ મેસેજ દ્વારા તેમના ખાતામાંથી 1.85 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી.