લોકોને ઔડાના મકાનો વેચાતા અપાવવાના નામે ખોટા ફોર્મ ભરાવી અલગ અલગ બહાના હેઠળ પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા પથારો લગાવી વેચાણ કરી ગુજરાત ચલાવનાર વ્યક્તિ તેમજ અન્ય લોકોને ભુલાભાઈ પાર્ક નજીક આવેલા બહુચર માતાના મંદિરે બોલાવીને ફોર્મ ભરાવડાવી મકાન અપાવવાની લાલચે લોન પાસ કરાવવાથી લઈ અલગ અલગ બહાને ₹ 4.80 લાખ પડાવી લીધા હતા.
બાદમાં ઉસ્માનપુરા ઔડા ઓફિસે તપાસ કરતા કોઈ ફોર્મ ભરાયા નથી, જે બાદ છેતરપિંડી થઈ હોવાની જાણ થતા આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદને મિત્ર થકી આવાસના મકાનની જાણ થઈ ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તેના માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા આવાસ યોજનાના મકાનો આપવામાં આવે છે. ગરીબ અને અભણ લોકો હોવાના કારણે તેમને છેતરવાનો લાભ કેટલાક લેભાગુ તત્વો ઉપાડી લેતા હોય છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ નજીક રહેતા છગનભાઈ ચૌહાણને તેમના મિત્ર થકી જાણ થઈ હતી કે ઘોડાસરમાં ન્યુ મંગળ પાર્ક સોસાયટીમાં રહેતા અભુભાઈ રબારી આવાસના મકાન અપાવે છે.
દાણીલીમડામાં AMCની ઓફિસે વ્યક્તિ સાથે મુલાકાત કરાવી જેથી ફરિયાદીએ અભુભાઈ રબારીને મળી અને વાતચીત કરી હતી. 6 લાખની લોન કરાવવાની રહેશે અને ઈસનપુરમાં મકાન આપીશું એમ કહી એક મકાનની 2.20 લાખ રૂપિયા પુરાવા સાથે લીધા હતા. જેના માટે દાણીલીમડા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે મહેબૂબ ઉર્ફે બાબુ નામના વ્યક્તિને મળીને કાગળની કાર્યવાહી કરાવડાવી હતી.

