રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ધોરાજી ખાતે “નારી વંદન સપ્તાહ” અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૮૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ, કલ્યાણકારી યોજનાઓ અને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી.

ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઠાકોર અને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. પટેલે નાગરિકોની સુરક્ષા માટે પોલીસની પ્રતિબદ્ધતા અંગે માહિતી આપી હતી. તેમણે સાયબર ગુનાના કિસ્સામાં તાત્કાલિક ‘૧૯૩૦’ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. કંડ્યાએ સાયબર ગુનાઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ફેક લિંક, ઓટીપી ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, સોશિયલ મીડિયા પર થતી હેરાનગતિ, મોર્ફિંગ, ફેક પ્રોફાઇલ અને ઓનલાઇન બ્લેકમેલિંગથી સાવચેત રહેવા જણાવ્યું હતું. ઓનલાઇન ખરીદી કરતા પહેલાં સંબંધિત લિંક કે સાઇટની ખરાઈ કરવા પણ તાકીદ કરી હતી.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઈ. એન.એ. શુક્લાએ દેહવ્યાપાર, શોષણ, બાળમજૂરી, બળજબરીથી કરાવાતી મજૂરી અને ભિક્ષાવૃત્તિ જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પીડિતોના પુનર્વસન અને કાયદાકીય જોગવાઈઓ અંગે વિગતો આપી હતી.

