National

ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા ૬ લોકોનો મધ્ય પ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત

મધ્યપ્રદેશના ધાર-ઉજ્જૈન હાઇવે પર પંચકવસા ગામ નજીક વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તાની ખોટી બાજુએ જઈ રહેલ એક કન્ટેનર ટ્રક એક ઇકો કાર સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં ગુજરાતના વડોદરાના છ યુવાનોના મોત નીપજ્યા છે અને ૧ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ૬ યુવકો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને કારમાં ગુજરાત પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

આ ટક્કર એટલી ગંભીર હતી કે કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, અને તેમાં સવાર તમામ ૬ લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સ્થાનિક ગ્રામજનો અને પોલીસે સાથે મળીને કારનો કાચ તોડીને ભારે પ્રયાસ બાદ મૃતક યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમાં ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને વાહનમાંથી બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા બદનાવરના સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે અને ગુજરાતમાં તેમના પરિવારોને અકસ્માત અંગે જાણ કરી દીધી છે.

જ્યારે મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલના મોકલવામાં આવ્યા હતા અને ભાગી ગયેલા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.