સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઉમરપાડાના ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસમાં પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપી પ્રજ્ઞેશ દિલીપભાઈ ગામીતને મહારાષ્ટ્રના ભુસાવલ રેલ્વે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે. રજા પૂરી થયા બાદ જેલમાં હાજર ન થતાં તે નાસી છૂટ્યો હતો. જેને પોલીસે દબોચીને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે પરત મોકલી આપ્યો છે.
હત્યા પાછળનું કારણ અદાવત હતી. અગાઉ મૃતક બિલાલ અને એઆઈએમઆઈએમ નેતા ખુર્શીદ સૈયદ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બિલાલે ખુર્શીદ પર હુમલો કર્યો હતો. આ બાબતની અદાવત રાખીને જ ખુર્શીદ સૈયદે આ ડબલ મર્ડરનું કાવતરું રચ્યું હતું.
આ ડબલ મર્ડર કેસમાં સજા ભોગવી રહેલા આરોપી પ્રજ્ઞેશ દિલીપભાઈ ગામીતે ગુજરાત હાઇકોર્ટમાંથી ૨૭ જૂન ૨૦૨૬થી ૩ જુલાઈ ૨૦૨૬ સુધી સાત દિવસની પેરોલ રજા મેળવી હતી. જાેકે મુદત પૂરી થયા બાદ તે જેલમાં હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો.
આ ડબલ મર્ડરની ઘટના જૂન ૨૦૨૪માં ઉમરપાડાના ઉચવાણ ગામે બની હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે ઓવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટીના સુરતના નેતા ખુર્શીદ સૈયદે અદાવત રાખીને ૧૬ લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ સોપારી દ્વારા બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને અઝરુદ્દીન ઉર્ફે અજજુ કાદર શેખની હત્યા કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં પેરોલ અને ફર્લો રજા પરથી ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે વિશેષ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત સુરત ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાલના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લાગી હતી.
સુરત ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ યોગેશ શ્રવણભાઈ અને રાજેશભાઈ બળદેવભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ટ્રેન દ્વારા મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુરતથી મહારાષ્ટ્ર જતી ટ્રેનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ભુસાવલ રેલ્વે પોલીસનો સંપર્ક કરીને તેમની મદદથી ટ્રેનમાં સઘન તપાસ કરી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરીને તેને સુરતની લાજપોર જેલ હવાલે કરાયો છે.

