Gujarat

વડોદરાના સયાજીગંજ સ્થિત પ્રેસિડેન્સી હોટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી કાલાઘોડા નજીકની પ્રેસિડેન્સી હોટલમાં આગ લાગવાની ઘટના બની હતી. હોટલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જાેઈને ત્યાં રોકાયેલા ગ્રાહકો, કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

આ બનાવની ખબર મળતા જ ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતા સમજીને વડોદરા ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે તાત્કાલિક હોસ પાઇપ ગોઠવીને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું અને આગને વધુ ફેલાતી અટકાવી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ સમયસૂચકતા અને ઝડપી કામગીરી દાખવીને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. જે સમયે આગ લાગી ત્યારે હોટલ પરિસરમાં લોકો હાજર હતા, પરંતુ ત્વરિત કામગીરીના કારણે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી હોનારત સર્જાઈ નથી.

પ્રાથમિક તપાસ અને માહિતી અનુસાર, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને હોટલના ફાયર સેફ્ટી સાધનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.