જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામ નજીક ઊંડ નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન સામે ખાણ-ખનિજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં આશરે ₹40 લાખની કિંમતના ત્રણ વાહનો સીઝ કરવામાં આવ્યા છે ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ગેરકાયદેસર ખનન અને વહનની ફરિયાદના આધારે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમમાં નિખીલભાઈ, આનંદભાઈ અને રજનીભાઈનો સમાવેશ થતો હતો.
તપાસ દરમિયાન, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ વાહનો ઝડપાયા હતા. જેમાં દેવદાનભાઈ કુંભારવાડીયાની માલિકીનું લોડર મશીન (GJ-36-S-1969) ગેરકાયદેસર સંગ્રહ અને ખનન માટે વપરાતું હતું. મછાભાઈ ઝાપડાના ડમ્પર (GJ-13-AT-8453) માંથી સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન થતું હતું, જ્યારે ફહિમભાઈ દલનું ખાલી ડમ્પર (GJ-13-AW-3200) પણ ગેરકાયદેસર વહનમાં સંડોવાયેલું હતું.

તપાસ ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને તમામ વાહનોને નિયમાનુસાર સીઝ કર્યા હતા. આ વાહનોને પંચકોશી ‘A’ પોલીસ સ્ટેશન, ધુંવાવ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે અને આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

