Gujarat

જામનગરમાં 2026ના સંપૂર્ણ સૂર્યગ્રહણનું જીવંત નિદર્શન યોજાયું

જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે 12ઓગસ્ટ, બુધવારે રાત્રે વર્ષ 2026ના સંપૂર્ણ સૂર્યગ્રહણનું જીવંત પ્રસારણ અને નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ઇન્ટરનેટના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં શહેર-જિલ્લાના અગ્રણીઓ, અધિકારીઓ, શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન ડો. સંજયભાઈ પંડ્યાએ સૂર્યગ્રહણના વિવિધ પ્રકારો, આગામી ખગોળીય ઘટનાઓ, સૂર્યમાળાના ગ્રહો, ડાયમંડ રિંગ, કોરોના અને સંપૂર્ણ સૂર્યગ્રહણ અંગે રસપ્રદ વૈજ્ઞાનિક કોમેન્ટ્રી આપી હતી. સ્મિતાબેન ભાટિયા અને દીપાબેન સોની દ્વારા ખગોળવિજ્ઞાન આધારિત ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિરીટભાઈ વ્યાસે સૂર્યગ્રહણ અને અંધશ્રદ્ધા અંગે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડી હતી. કિરીટભાઈ શાહે પૃથ્વી પર જીવની ઉત્પત્તિમાં ચંદ્રના મહત્વ વિશે સમજાવ્યું હતું, જ્યારે અમિત વ્યાસે બ્રહ્માંડની ઉત્પત્તિ અને નવા ગ્રહોની શોધ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ અને ખગોળ મંડળ, જામનગરના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૂર્યગ્રહણનું જીવંત પ્રસારણ, રનિંગ કોમેન્ટ્રી, બ્રહ્માંડની સફર અને ખગોળ ક્વિઝ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. જામનગરની ‘રંગતાળી’ સંસ્થાનો પણ આ આયોજનમાં સહયોગ રહ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે દુર્લભ ખગોળીય ઘટનાને અંધશ્રદ્ધાથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, એડિશનલ કલેકટર વિમલકુમાર ચૌધરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક જૂથના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, ભાજપ શહેર સંગઠનના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ગુજકોસ્ટ પ્રેરિત એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળના સુધાબેન ખંઢેરિયા અને પૂર્વ મેયર ડો. અવિનાશ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ દ્વારા કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશા પાઠવવામાં આવ્યા હતા.