Gujarat

જામનગરમાં મહિલાઓ દ્વારા એવરત જીવરત વ્રતની ઉજવણી

જામનગરમાં ભોઈ જ્ઞાતિ સમસ્ત દ્વારા મહિલાઓના એવરત જીવરત વ્રતના જાગરણ નિમિત્તે વિશેષ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી ચાલી આવે છે. આ કાર્યક્રમ સુભાષ શાક માર્કેટ નજીક આવેલા ભોઈ સમાજના ધાળીયા પાસે યોજાય છે.

આ આયોજનમાં સમાજની મહિલાઓ અને બહેનો પ્રાચીન રાસ-ગરબા ગાય છે. રાસ-ગરબાને તાલ આપવા માટે ઢોલ-નગારા જેવા પરંપરાગત વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઉત્સવના માહોલને વધુ જીવંત બનાવે છે.

સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મહિલાઓ દ્વારા એવરત જીવરતનું વ્રત પતિના દીર્ઘાયુષ્ય, પરિવારની સુખાકારી અને પુત્રોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રત ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવે છે.

આ વ્રત દરમિયાન મહિલાઓએ બે દિવસ અને એક રાત્રિનું જાગરણ કરવાનું હોય છે. સામાન્ય રીતે મહિલાઓ જાગરણ માટે બાગ-બગીચા, તળાવ, ગાર્ડન કે સિનેમા હોલ જેવા જાહેર સ્થળોએ એકત્ર થતી હોય છે. જોકે, ભોઈ સમાજ દ્વારા આયોજિત આ રાસ-ગરબાનો કાર્યક્રમ જાગરણ માટે એક અનોખો અને પરંપરાગત વિકલ્પ પૂરો પાડે છે.