જામનગર, જેને ‘છોટી કાશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાના-મોટા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર શહેરમાં ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સવારથી શિવભક્તોએ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે બિલીપત્ર, અભિષેક અને જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી.
શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર અને મણીકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ રુદ્રાભિષેક અને જલાભિષેક કરી બિલ્વપત્ર ચડાવી દર્શનનો લાભ લીધો હતો.
વર્તમાન સમયમાં કોલેરા અને ચાંદીપુરા જેવા રોગચાળાને ધ્યાનમાં રાખીને, જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના તમામ શિવાલયોની કાળજીપૂર્વક સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને પણ વિવિધ શિવ મંદિરોના દ્વારે તૈનાત કરવામાં આવ્યા છે.

