તાપી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.વ્યારાના ઉનાઈ નાકા સ્થિત સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી આ યાત્રા પ્રસ્થાન પામી હતી. ‘દેશભક્તિના રંગે રંગાઈએ, તિરંગાના સંગે જોડાઈએ’ના નારા સાથે નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.

આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે યાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોની સક્રિય સહભાગીદારી અને એકતા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. તેમણે ભારત વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં ઊભું રહીને વૈશ્વિક સ્તરે વિકાસ અને એકતાનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું હોવાનું ઉમેર્યું હતું.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047ના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા સૌને આહ્વાન કરતાં એકતાને સાચી તાકાત ગણાવી હતી.

આ યાત્રામાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્ય મોહનભાઈ કોંકણી અને કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

