Gujarat

સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ સ્પર્ધાનું સફળ આયોજન

જામનગર સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ‘ઇન્ટર હાઉસ સ્વિમિંગ ચેમ્પિયનશિપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સરદાર પટેલ હાઉસે ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. આ સ્પર્ધામાં છ સિનિયર હાઉસ, બે જુનિયર હાઉસ અને ગર્લ્સ ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધા દરમિયાન ૨૫ મીટર ફ્રીસ્ટાઇલ, ૨૫ મીટર બ્રેસ્ટસ્ટ્રોક, ૨૫ મીટર બેકસ્ટ્રોક અને ૪×૨૫ મીટર મેડલી રિલે જેવી વિવિધ સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાઈ હતી. સિનિયર વર્ગમાં સરદાર પટેલ હાઉસે ઓવરઓલ ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે જુનિયર વર્ગમાં નેહરુ હાઉસે ચેમ્પિયનશિપ ટ્રોફી પ્રાપ્ત કરી હતી.

ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ નેહરુ હાઉસના કેડેટ જ્ઞાન મૈતીને ‘બેસ્ટ ઇમર્જિંગ સ્વિમર’ અને ટાગોર હાઉસના કેડેટ યુવરાજ સિંહ જાડોનને ‘બેસ્ટ સ્વિમર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વિમિંગ પૂલની તૈયારી અને જાળવણીમાં સમર્પિત યોગદાન તેમજ સ્પર્ધાના સુચારુ આયોજન અને સંચાલનમાં નિઃસ્વાર્થ સેવા બદલ અકરામની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી.

સમાપન સમારોહના મુખ્ય અતિથિ અને સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડેએ વિજેતા ટીમોને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરી હતી. તેમણે ઉપસ્થિતોને સંબોધતાં વિજેતા ટીમોને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ કેડેટ્સના ઉત્સાહ, મહેનત તથા રમતગમત પ્રત્યેની ભાવનાની પ્રશંસા કરી હતી.

આચાર્યએ જણાવ્યું હતું કે સ્વિમિંગ માત્ર સ્ટેમિના અને શારીરિક ક્ષમતામાં વધારો કરતું નથી, પરંતુ તે ભાઈચારો, ટીમવર્ક અને ટીમ સ્પિરિટનો વિકાસ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે સાથે, રમતગમત કેડેટ્સમાં ખંત, પડકારોનો સામનો કરવાની ક્ષમતા, શિસ્ત અને વિજયની ભાવના જેવા જીવનમૂલ્યોનું નિર્માણ કરે છે.