Gujarat

શ્રાવણની શરૂઆતમાં જ નરેડી ગામની વાડીમાંથી જુગારધામ ઝડપ્યું

​શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ પત્તા પ્રેમીઓની જાણે કે મોસમ આવી હોય તેમ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ પોલીસ દ્વારા વાડી વિસ્તાર અને સીમ વિસ્તારમાંથી જુગારના અનેક કેસો પકડી પાડવામાં આવ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે નરેડી ગામમાંથી જુગાર રમતા 8 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

વંથલીના નરેડી ગામના વાડી વિસ્તારમાં ​ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો ​ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વંથલી તાલુકાના નરેડી ગામથી બોડકા ગામ તરફ જતા રસ્તે પશ્ચિમ બાજુએ આવેલ ‘ધાર’ નામના વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ વાડી હસમૂખભાઈ પરબતભાઈ સાબલપરાની કબજા-ભોગવટાની છે.

તેઓ પોતાની વાડીમાં આવેલા પતરાવાળા મકાનમાં બહારથી માણસોને બોલાવી, જુગારના સાધનો પૂરા પાડીને તીન-પત્તી રોન-પોલીસ નામનો હાર-જીતનો જુગાર રમાડતા હતા અને અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતા હોવાનું સામે આવ્યું હતું.

જુગાર રમતા કુલ 8 ઇસમો રંગેહાથ ઝડપાયા ​પોલીસે બાતમીની ખરાઈ કરીને ઘટનાસ્થળે અચાનક દરોડો પાડતાં જુગાર રમતા કુલ 8 ઇસમો રંગેહાથ પકડાઈ ગયા હતા. આ પકડાયેલા આરોપીઓમાં નરેડી ગામના હસમૂખભાઈ પરબતભાઈ સાબલપરા, પંકજભાઈ કેશુભાઈ ડોબરીયા, હિતેશભાઈ વિઠ્ઠલભાઈ બરવાડીયા અને કિરીટભાઈ જીવાભાઈ વદરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રવની ગામના પ્રફુલભાઈ મોહનભાઈ ભાલારા, વીરપુર ગામના યાકુબભાઈ તારમહંમદભાઈ સીડા તથા રફીકભાઈ મહંમદભાઈ સીડા અને આંબાલીયા ગામના ઈશાભાઈ અલારખાં સાંઈ પણ જુગાર રમતા ઝડપાયા હતા. આ તમામ સામે વંથલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુન્હો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.