Gujarat

જૂનાગઢમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: ભવનાથમાં સાધુ-સંતો અને માળીયા હાટીનામાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ધ્વજવંદન કરાયું​

​જૂનાગઢ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહ, ગર્વ અને દેશભક્તિસભર વાતાવરણમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જૂનાગઢ શહેર તેમજ વિવિધ તાલુકાઓ, શાળાઓ, કૉલેજો અને શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં આણ, બાન અને શાન સાથે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર જૂનાગઢ પંથક દેશભક્તિના રંગે રંગાયો હતો અને તમામ નાગરિકોમાં અનોખો રાષ્ટ્રીય જુસ્સો જોવા મળ્યો હતો.

​ગિરનારની પવિત્ર ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ઇન્દ્રભારતી બાપુના હસ્તે ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ-સંતો, રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી દેશના વીર શહીદોને નમન કરી ભાવાંજલિ અર્પિત કરી હતી. આ તકે ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, 80મા રાષ્ટ્રીય મહાપર્વ પર ગિરનાર મંડળના સંતો, આગેવાનો અને પત્રકાર મિત્રો દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્ર વંદના કરીને ત્રિરંગાની આન, બાન અને શાન સાથે દેશભક્તિ ઉજાગર કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન પણ એક મહાન રાષ્ટ્રભક્તિનું અભિયાન છે. ચંદ્રયાન દ્વારા ચંદ્ર પર પણ આપણો ત્રિરંગો લહેરાયો છે. આ મહાપર્વે સરહદ પર દેશનું રક્ષણ કરતા નવજવાનોને ભગવાન દીર્ઘાયુ આપે તેવી પિનાક પાણિ શિવજીને પ્રાર્થના કરું છું અને દેશ માટે શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પું છું.