દેત્રોજ સ્થિત શેઠ શ્રી એલ.વી. એન્ડ કેવી ભાવસાર વિદ્યામંદિરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પૂર્વ વિદ્યાર્થી અને દેત્રોજના વતની ઉમંગકુમાર મહેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાઈ તિરંગાને સલામી આપી હતી.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. દેશભક્તિ ગીતો, નૃત્ય અને વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો તથા દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ તાળીઓથી વધાવી લીધી હતી.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ કિર્તીભાઈ જાની, મંત્રી ભરતભાઈ ભાવસાર સહિત ટ્રસ્ટી મંડળના અન્ય સભ્યો, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક પ્રવચનમાં ઉમંગકુમાર પટેલે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવા પેઢીને દેશની એકતા અને અખંડિતતા જાળવવાની જવાબદારી સમજાવી રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આગળ વધવા પ્રેરણા આપી. તેમણે મોબાઇલ અને AI ટેકનોલોજીનો શિક્ષણ તથા જ્ઞાન મેળવવા માટે વિવેકપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

