Gujarat

અમરેલીના ચાંદગઢ નજીક શેત્રુંજી નદી કાંઠે રૂટિન કામગીરી દરમિયાન સિંહણે ટ્રેકર પર હુમલો કર્યો

ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદી કાંઠે રૂટિન ટ્રેકિંગ દરમિયાન સિંહણે વનવિભાગના ટ્રેકર પર હુમલો કર્યો હતો. વનવિભાગની ટીમની હાજરીમાં બનેલી આ ઘટનામાં ગોહાભાઈ ચોંડીયા નામના ટ્રેકરને ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી સાથે જાેડાયેલા કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

આ ઘટના બાબતે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શેત્રુંજી નદી વિસ્તારમાં એક સિંહણ નદી ક્રોસ કરીને અભિમન્યુ વિસ્તાર તરફ આવી હતી. સિંહણની હિલચાલને ધ્યાનમાં રાખીને વનવિભાગની ટીમ દ્વારા સ્કેનિંગ અને ટ્રેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વનવિભાગની ટીમ સ્થળ પર હાજર રહીને સિંહણ ઉપર સતત વોચ રાખી રહી હતી. આ દરમિયાન અચાનક સિંહણે ટ્રેકર ગોહાભાઈ ઉપર હુમલો કર્યો હતો. અચાનક બનેલી ઘટનાથી વનવિભાગની ટીમમાં દોડધામ મચી ગઈ હતી.

સિંહણના હુમલામાં ઈજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ ઘટનાની જાણ થતાં અમરેલીના છઝ્રહ્લ રાજન જાદવ સહિત વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. વનવિભાગ દ્વારા સિંહણના હુમલા પાછળના કારણો તેમજ ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સિંહણની હાલની હિલચાલ ઉપર પણ વનવિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

તે વાત પણ જાણવી મહત્વની છે કે, ચાંદગઢ અને શેત્રુંજી નદી આસપાસનો વિસ્તાર સિંહોના કાયમી વસવાટ માટે જાણીતો છે. આ વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણની અવરજવર જાેવા મળે છે. જેના કારણે વનવિભાગની ટીમ દ્વારા વન્યપ્રાણીઓની હિલચાલ ઉપર સત મોનિટરિંગ કરવામાં આવે છે. તેમ છતાં રૂટિન કામગીરી દરમિયાન જ ટ્રેકર ઉપર હુમલો થતાં વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી સાથે જાેડાયેલા કર્મચારીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સિંહ અને અન્ય વન્યપ્રાણીઓ દ્વારા માનવ વસાહત નજીક આવવાની તેમજ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે.