Gujarat

બનાસકાંઠાના દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર

દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી અને સ્ટેજ પરથી જનસભાને સંબોધતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોની સમસ્યાઓને લઈને સરકાર તથા પોલીસ પ્રશાસન પર આકરા શાબ્દીક પ્રહારો કર્યા હતા.

વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટીની બોલવામાં અને વર્તવામાં જમીન આસમાનનો ફેર છે. એક તરફ દેશના વડાપ્રધાન અને પોલીસ તંત્ર ડ્રગ્સ મુક્ત અભિયાનની વાતો કરે છે, તો બીજી તરફ બનાસકાંઠા અને દાંતા જેવા વિસ્તારોમાં વાસ્તવિકતા સાવ અલગ છે.‘

ગેનીબેને સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આજની તારીખે ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, છતાં ખાતર મળતું નથી. જ્યારે બીજી બાજુ દારૂ, ડ્રગ્સ કે અન્ય કેફી પદાર્થો જાેઈતા હોય તો એક ફોન કોલ પર હોમ ડિલિવરી મળી રહે છે. આ બધી પ્રવૃત્તિઓની પોલીસને પૂરતી જાણ હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

ગેનીબેન ઠાકોરે સનસનાટીભર્યો આક્ષેપ કરતા કહ્યું કે, ગેરકાયદે પ્રવૃત્તિઓમાંથી ઉઘરાવાતા હપ્તા માત્ર ગાંધીનગર સુધી જ નહીં, પરંતુ દિલ્હી સુધી પહોંચે છે. આ હપ્તાખોરીના કારણે જ પ્રદેશના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને બહેન-દીકરીઓએ વિધવા બનવાનો વારો આવે છે.

મંચ પરથી ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે અને હું તો પ્રદેશ અધ્યક્ષ અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લાના ને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવાવાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે, અને યાદી બનાવીને મોબાઇલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને તેની કોપી આપો. અને ધારાસભ્યો તેમજ બધા એક ડેલીગેશન લઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો. અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદીથી બચાવવા માટેનું કામ કરશે.‘