Gujarat

વાપીના સલવાવ રહેણાક વિસ્તારમાં ફરતો મારતો દીપડો આખરે વન વિભાગના પાંજરે પૂરાયો

વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા સલવાવમાં ધોડિયાવાડ ખાતે છેલ્લા ૨-૩ દિવસથી લોકોને દીપડો ફરતો દેખાયો હતો જે બાદ તાત્કાલિક વન વિભાગે પાંજરું ગોઠવ્યુ હતું.

આ બાબતે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીના સલવાવના રહેણાંક વિસ્તાર ધોડિયાવાડમાં ૨-૩ દિવસ અગાઉ દીપડો દેખાયાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી, જેને પગલે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં અધિકારીઓ અને ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.

રહેણાક વિસ્તારમાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી હાથ ધરાયેલી કામગીરી દરમિયાન શનિવારે સાંજે દીપડો પાંજરે પૂરાઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. દીપડો પકડાઈ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ વન વિભાગે દીપડાનો કબજાે મેળવી પશુ ચિકિત્સક પાસે તેનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવ્યું હતું. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.