સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક સોફાના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. દિવસના સમયે અચાનક આગ લાગવાને કારણે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં અને કારખાનાઓમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. ફેક્ટરીની અંદરથી આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
સોફા બનાવવાના આ કારખાનાની અંદર મોટા પ્રમાણમાં રૂ અને ફોમનો જથ્થો તેમજ અત્યંત જ્વલનશીલ કેમિકલ રાખવામાં આવ્યું હતું. આ તમામ સાધન-સામગ્રી ખૂબ જ ઝડપથી આગ પકડી લે તેવી હોવાથી જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગમ્ય કારણોસર લાગેલી આ આગ ક્ષણભરમાં આખા કારખાનામાં ફેલાઈ ગઈ હતી.
સુરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી સુરત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવીને કલાકોની મહેનત બાદ આગ પર પૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમના સમયસૂચક પ્રયાસોના કારણે આગ આસપાસના અન્ય કારખાનાઓમાં ફેલાતા અટકી હતી.
આ ગંભીર હોનારતમાં કારખાનાની અંદર રહેલો તમામ મોંઘો સામાન, કાચો માલ અને મશીનરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે કારખાના માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જાેકે, સૌથી રાહતના સમાચાર એ છે કે, આ ઘટના સમયે કોઈ જાનહાની થઈ નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

