Gujarat

અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુભાષબ્રિજ સર્કલ પાસે એક યુવકની જૂની અદાવતમાં કરપીણ હત્યા

શહેરના રાણીપ વિસ્તારમાં સુભાષબ્રિજ સર્કલ પાસે યુવકની કરપીણ હત્યાની ઘટના બની છે. રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી નામના યુવક પર ધારિયા, તલવાર અને છરી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓ થતાં તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો

આ હત્યાની ઘટના મામલે મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ હત્યા પાછળ જૂની અંગત અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી ભરત લક્ષ્મણ સાલવીના જણાવ્યા મુજબ, અગાઉ અજય સાલવીએ મદ્રાસી લોકો સાથે થયેલા ઝઘડામાં દરમિયાનગીરી કરી તેમનો પક્ષ લીધો હતો. આ બાબતે અંકિત અને પાર્થ ઉર્ફે પાવડર સાથે અદાવત ઊભી થઈ હતી. થોડા દિવસ પહેલાં અજયના કૌટુંબિક ભાઈ અજય ભગીરથ સાલવી સાથે પણ અંકિત અને પાર્થ ઉર્ફે પાવડરે સુભાષબ્રિજ સર્કલ પાસે ચા પીવા દરમિયાન બોલાચાલી કરી મારામારી કરી હતી. ત્યારબાદ મૃતક અજય સાલવીએ પાર્થ ઉર્ફે પાવડરને ફોન કરી તેના ભાઈને માર મારવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન બંને તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે.

રાતના સમયે અજય સાલવી પોતાની નિયમિત બેઠકવાળી જગ્યાએ ચા પીવા માટે ગયો હતો. તે સમયે પીકઅપ ડાલામાં આવેલા શખ્સોએ અચાનક તેના પર ધારિયા સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલાથી બચવા અજય ભાગવાનો પ્રયાસ કરતા પડી ગયો હતો અને તેના પીઠ, પેટ તથા ગરદનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફરિયાદી ભરત સાલવીના જણાવ્યા મુજબ હુમલાખોરોમાંથી વિશાલ નામના શખ્સને તેણે ઓળખી બતાવ્યો છે. તેની સાથે અન્ય ૫થી ૭ શખ્સો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર બનાવમાં અંકિત અને પાર્થ ઉર્ફે પાવડરની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

રાણીપ પોલીસની તપાસમાં આરોપી વિશાલ પરસોત્તમ ચૌહાણનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તેના વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં અગાઉ હત્યા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વાડજના હત્યાના ગુનામાં તેને ૪ જુલાઈ ૨૦૨૨ના રોજ આજીવન કેદની સજા થઈ હતી. ત્યારબાદ અપીલ દરમિયાન જામીન પર છૂટ્યો હતો અને અન્ય ગુનાઓમાં પણ જેલવાસ ભોગવ્યો હોવાનું પોલીસનું કહેવું છે.

હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ મહિન્દ્રા પીકઅપ ડાલું પણ પોલીસના હાથે લાગ્યું છે. ઇત્ન-૨૭-ય્હ્લ-૩૯૭૫ નંબરનું આ વાહન રાજસ્થાન પાસિંગનું હોવાનું સામે આવ્યું છે અને વાહન મહિલાના નામે નોંધાયેલું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે હત્યા પાછળ સુપારી કિલિંગની શક્યતાને હાલ નકારી નથી, પરંતુ હાલની તપાસમાં જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ ઉપરાંત અગાઉના એક હત્યા કેસને લઈને ચાલતી જૂની અદાવત સહિતના તમામ એંગલથી પોલીસે તપાસ શરૂ કરી છે.

આ કેસ મામલે એ.સી.પી ડીવી રાણાના જણાવ્યા મુજબ, ફરિયાદીના નિવેદન અને અત્યાર સુધીની તપાસમાં અંકિત તથા પાર્થ ઉર્ફે પાવડર સાથેની જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું જણાઈ રહ્યું છે. હાલની તપાસમાં જૂની અદાવતના કારણે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ફરિયાદીએ વિશાલ નામના આરોપીને ઓળખી બતાવ્યો છે અને તેની સાથે અન્ય શખ્સો હોવાની વિગતો આપી છે. અંકિત અને પાર્થ ઉર્ફે પાવડરની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. સુપારી કિલિંગ સહિતના તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે.