Gujarat

રાજસ્થાનના 3 પ્રોજેક્ટનું કામ પૂર્ણ ન કરી ₹6 કરોડની ગેરરીતિ આચરી

વડોદરામાં રહેતા દીનેશચંદ્ર એકવાટેક જે.વી.ના ઓથોરાઇઝ્ડ કંપનીના કર્મચારીએ રાજસ્થાન સરકારના ત્રણ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં કરોડોની નાણાકીય ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોધાવી છે. બે કંપની સાથે સંકળાયેલા ચાર ડિરેક્ટરે કોન્ટ્રાક્ટ મુજબનું કામ પૂર્ણ ન કરી, નાણાં અન્ય ખાતામાં જમા કરાવી તથા માલસામાન તેમજ સોલાર પેનલની ખરીદીના નામે નાણાંનો ઉપયોગ કરી કંપનીને આશરે રૂ.5.91 કરોડનું નુકસાન પહોંચાડ્યું છે. જેથી તેમણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ચાર ડિરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કંપની સરકારી પ્રોજેક્ટનું કામ કરે છે વડોદરામાં રહેતા વિનેશ ભારતી રવજીભારતી ગોસ્વામી (ઉં.વ.36)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ વડોદરામાં પરિવાર સાથે રહે છે અને 2023થી દીનેશચંદ્ર એકવાટેક જે.વી. કંપની સાથે જોડાયેલા છે. તેઓ કંપનીમાં ઓથોરાઇઝ્ડ પર્સન તરીકે લીગલ અને વહીવટી કામગીરી સંભાળે છે. કંપનીને સરકાર તરફથી મળતા કોન્ટ્રાક્ટનું કામ કરવામાં આવે છે.

અન્ય બે કંપનીને સબ કોન્ટ્રાક્ટ આપ્યો 2023માં રાજસ્થાન સરકાર તરફથી શ્રી ગંગાનગર, ગંગાપુર સિટી અને સવાઈ માધોપુર એમ ત્રણ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ મળ્યા હતા. ત્રણેય પ્રોજેક્ટમાં ગટર લાઇનનું પાણી ભેગું થાય તેનું વિભાજન કરવા માટે પ્લાન્ટ બનાવવાનો સમાવેશ થતો હતો. કંપની તમામ કામગીરી જાતે કરી શકે તેમ ન હોવાથી ગંગાપુર સિટી અને સવાઈ માધોપુરનું કામ ટર્બોટેક ઇન્ફ્રાનેટ પ્રા.લિ.ને તથા શ્રી ગંગાનગરનું કામ સીનર્જેઝ સોલ્યુશન પ્રા.લિ.ને સબ કોન્ટ્રાક્ટ તરીકે સોંપવામાં આવ્યું હતું.

સમયસર કામગીરી સરૂ ન થતા કોન્ટ્રાક્ટ રદ કર્યો બંને કંપની સાથે નાણાકીય લેવડદેવડ માટે એસ્ક્રો એકાઉન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટની રકમ કંપનીના ખાતામાં આવે ત્યારે 7.5 ટકા રકમ દીનેશચંદ્ર એકવાટેક જે.વી. પાસે રહે અને બાકીની 92.5 ટકા રકમ સંબંધિત કંપનીના ખાતામાં જમા થવાની વ્યવસ્થા હતી.